ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ‘ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની સ્થાયી સમિતિ‘ની બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્યના આદિજાતિ વિસ્તાર અને આદિવાસી બાંધવોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ આપી મુખ્ય હરોળમાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
સલાહકાર પરિષદની આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર અને આદિવાસી બાંધવોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે મંત્રીએ વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. જેમાં મુખ્યત્વે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સાયન્સ કોલેજ શરૂ કરવા, ડેડિયાપાડા વિસ્તારમાં નર્મદામાંથી પિયતનો લાભ આપવા, શામળાજી ખાતેની ટીપી સ્કીમથી આદિવાસીઓને થતી અસરોના નિરાકરણ અંગે, ૨૫૦થી વધુ વસતીવાળા ગામોને પાક્કા રસ્તાથી જોડવા, ફોરેસ્ટ વિલેજના ગામોને રેવન્યુ રેકર્ડ પર લાવવા, બોર્ડર વિલેજમાં રસ્તાઓ બનાવવા, કડાણા તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
સમિતિના સભ્ય તરફથી મળેલા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મંત્રી ડિંડોરે તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારના પડતર અને મહત્વપૂર્ણ પ્રશ્નોને પૂરતી પ્રાથમિકતા આપી તેનો ત્વરાએ નિકાલ આવે તે ખૂબ જ જરૂરી છે. વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા પણ મોટાભાગના કામો પ્રગતિમાં હોવાનું જણાવાયું હતું અને સાથે જ બાકીના કામો સત્વરે પૂર્ણ કરવા મંત્રીને ખાતરી આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ ડૉ. એસ. મુરલીક્રિષ્ણા, શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, આદિજાતિ વિકાસ કમિશનર સુપ્રિતસિંહ ગુલાટી,સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા